પ્રિય સારસ્વત મિત્રો,
આપનું અને આપનાં પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું હશે.
મિત્રો, આજે આપ સૌ સાથે એક નવા જ પ્રકારની અને રસપ્રદ કામગીરીની વાત કરવી છે.
ભાષા શિક્ષણમાં શબ્દભંડોળની સમૃદ્ધિ તેમજ તેની સમજ અને ઉપયોગ અને એ અગત્યની અધ્યયન નિષ્પત્તિ છે. જે તે ધોરણમાં જે તે ભાષામાં વિદ્યાર્થીઓના શબ્દભંડોળમાં કેટલા અને કયા પ્રકારના શબ્દો હોય એ અંગે ભારતીય ભાષાઓમાં કોઈ સંશોધન જાણમાં નથી. શબ્દભંડોળ અંગેના હેતુઓ મોટેભાગે ભાષા નિષ્ણાતોના અભિપ્રાય આધારિત હોય છે. જે તે ધોરણનાં પાઠ્યપુસ્તકો અને અન્ય અધ્યયન સામગ્રી તૈયાર કરવા માટે બાળકોનું શબ્દભંડોળ કેટલું અને કેવું હશે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. બાળકોનું શબ્દભંડોળ જાણી શકાય તો ભવિષ્યમાં પાઠ્યપુસ્તકો અને બીજી અધ્યયન સામગ્રી વધુ અસરકારક રીતે તૈયાર કરી શકાય.
બાળકોનું શબ્દભંડોળ કેટલું છે એ નક્કી કરવા માટે માતાપિતા /વાલીની મદદ અનિવાર્યપણે લેવી પડે. કારણ કે બાળક સાથે સૌથી વધુ વાતચીત ઘરમાં જ થઇ શકે. તેથી વાલીઓ બહુ સારી રીતે જાણી શકે કે એમનાં બાળકો કયા કયા શબ્દો બોલે કે સમજે છે.
મિત્રો, આપણને લોકડાઉનનો એવો સમય મળ્યો છે જ્યારે આપણે આપણાં બાળકો સાથે સતત સમય પસાર કરીએ છીએ. તેથી જો આપના ઘરમાં નાનાં (2 થી 8 વર્ષ સુધીની ઉંમરનાં) બાળકો હોય તો એમનું શબ્દભંડોળ કેટલું છે તે જાણવામાં આપ ખૂબ મદદ કરી શકો એમ છો.
• આપનું બાળક પોતાના રોજિંદા જીવન વ્યવહારમાં કયા કયા શબ્દો બોલે છે તેની નોંધ રાખવા વિનંતી. આપનું બાળક જે જે શબ્દો બોલતું હોય તેની નોંધ એક અલગ નોટબૂક કે કાગળમાં કરવા વિનંતી છે. સતત પંદર દિવસ સુધી આપ આવી નોંધ કરો એવી વિનંતી.
• આપનું બાળક સ્થાનિક લોકબોલીમાં શબ્દો બોલે તો એવા શબ્દો પણ નોંધવા વિનંતી છે. જેમ કે નેનું (નાનું), મુ(હું), શેતર(ખેતર), મોંચો(ખાટલો) વગેરે.
• આપ નોંધ કરવાનું શરૂ કરો ત્યારે તો આપ જાતે તથા ઘરનાં અન્ય સભ્યોની મદદથી બહુ બધા શબ્દો લખી શકશો. કારણ કે બાળક દરરોજ બોલતું /સમજતું હોય એવા ઘણા શબ્દો ઘરનાં લોકો જાણતા જ હોય. દા.ત. પાણી, ઘર, મોબાઈલ, ટીવી, કાકા, શાક, ઊંઘ, સવાર, ઝાડ, રસ્તો વગેરે. આપ સૌ પહેલાં આવી યાદી બનાવી લો અને ત્યારબાદ બાળક બોલતું હોય એવા બીજા નવા શબ્દો ઉમેરતા જાઓ.
આનાથી, આપ પોતે આપના બાળકના શબ્દભંડોળથી વાકેફ થશો જ , સાથે સાથે એક શિક્ષક તરીકે વધુ સભાન રહીને વર્ગકાર્ય કરી શકશો અને આ પ્રકારની કામગીરીના નવપ્રસ્થાનમાં યોગદાન પણ આપી શકશો.
જેમના ઘરમાં બે થી આઠ વર્ષની ઉંમરનાં બાળકો હોય તેવાં શિક્ષક મિત્રોને આ કાર્યમાં સહભાગી થવા નમ્ર અપીલ છે.
આ પ્રકારે શબ્દભંડોળ એકત્ર કરીને GCERT તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરશે તેવો ઉપક્રમ છે.
આ અંગે આપને કોઈ મૂંઝવણ કે પ્રશ્ન થાય તો gcertre@gmail.com પર અથવા 9924695193 પર ડૉ. ભાર્ગવભાઈ ઠક્કરને વોટ્સ અપ દ્વારા મોકલવા વિનંતી.
કુશળ હશો અને કુશળ રહેજો.
આભાર સહ,
નિયામક, GCERT
No comments:
Post a Comment